વિશુદ્ધ વેદધર્મના ક્રાન્તિકારી પુરસ્કર્તા સ્વામી દયાનંદ સરસ્વતી

  • Published By : bknews
  • Published Date : 2019-03-07 10:49:27
  • Views : 784
  • Modified Date : 2019-03-07 10:49:27

આર્યસમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જયંતિ છે. આર્ય સમાજ એક ધર્મસુધારકના વિચારમાંથી જન્મેલી વ્યવસ્થા છે. આર્યસમાજ હિંદુ ધર્મથી અલગ નથી છતાંયે તે ઘણી રીતે જુદો ધર્મ છે - જુદી વ્યવસ્થા છે. હિંદુ ધર્મમાં
મૂર્તિપૂજા અગ્રસ્થાને હોય છે જ્યારે આર્યસમાજની ધર્મ ધારામાં મૂર્તિ પૂજાનો નિષેધ છે.
એ રીતે તે શીખ ધર્મની વધારે નજીક આવી જાય છે. આર્યસમાજના વિચારમાં વેદો પ્રમુખસ્થાને છે. વેદોમાં ન હોય તે વાત તેમને સ્વીકાર્ય નથી. તેમની આરાધના પદ્ધતિ પ્રાચીન કાળના ઋષિમુનિઓને મળતી આવે છે. તેઓ યજ્ઞા-યોગાદિમાં માને છે અને નિત હોમ હવન કરી અગ્નિમાં આહૂતિ આપે છે.
દયાનંદ સરસ્વતીનું મૂળ નામ મૂળશંકર. તેમનો જન્મ સૌરાષ્ટ્રનાં ટંકારામાં બ્રાહ્મણ કુટુંબમાં થયેલ હતો. તેઓ બાર વર્ષના થયા ત્યારે તેમના પિતાએ શિવરાત્રીના પર્વ પ્રસંગે તેમને કહેલું કે જો તારે શિવનાં દર્શન કરવા હોય તો શિવરાત્રિનું પર્વ રાખી રાત્રે મહાપૂજા કરીશ તો તને શિવનાં દર્શન થશે. પિતાની વાતમાં શ્રદ્ધા રાખી તેમણે શિવરાત્રીનો ઉપવાસ કર્યો અને શિવની
મહાપૂજા કરવા શિવમંદિરમાં રોકાયા.
રાત્રે અન્ય બ્રાહ્મણો ઝોકે ચઢયા ત્યારે મૂળશંકર આંખો ખેંચીને જાગતા રહ્યા હતા. ત્યાં તેમણે જોયું કે શિવના લિંગ ઉપર તો ઉંદરડીઓ ફરે છે. આ જોઈને તેમને થયું કે આ શિવ મહાદેવ કેવી રીતે હોઈ શકે? તેમની ઉપર તો ઉંદરડીઓ રમે છે. આ ઘટના જોયા પછી તેમના મનમાંથી મૂર્તિપૂજા વિશેની શ્રદ્ધા ઉઠી ગઈ અને સત્ય શું છે તે જાણવાની ઝંખના જાગી.
એવામાં તેમના બેનનું અકાળે અવસાન થયું. થોડાક સમય પછી તેમના પ્રિય કાકા ગુજરી ગયા. આવી બધી ઘટનાઓએ તેમને સત્ય જાણવા માટે પ્રેર્યા. તેમના પિતા તેમના લગ્નની ગોઠવણ કરતા હતા તે જાણીને તેઓ ઘર છોડીને છાના-માના નીકળી ગયા.
તે પછી સંન્યાસ ગ્રહણ કરીને તે પંદર વર્ષ સુધી હિંદુસ્થાનના જુદા જુદા ભાગોમાં ફરતા રહ્યા. કેટલાય સન્યાસીઓને મળ્યા, હિમાલયમાં બદ્રીનાથ, કેદાર, ગુપ્તકાશી, ગૌરીકુંડ વગેરે તીર્થ સ્થાનોમાં રહી યોગ સાધના કરી પણ ક્યાંયથી તેમના મનનું સમાધાન થયું નહિ.
છેવટે ખરો સંતોષ તેમને મથુરામાં વિરજાનંદ નામના સાધુ મળ્યા તેમનાથી થયો. તેમણે તેમને પ્રાચીન વેદધર્મ કેવો હતો તે સમજાવ્યું. એ વાત તેમને ગમી ગઈ અને તેમણે વિરજાનંદ સ્વામીને ગુરુ કર્યા અને દયાનંદ સ્વામી નામ ધારણ કરી વેદધર્મનો પ્રચાર કરવા માંડયો.
વિરજાનંદ સ્વામીના અર્થઘટનોથી દયાનંદ સરસ્વતીને ખ્યાલ આવ્યો કે પ્રાચીન વેદધર્મ કેવી રીતે લુપ્ત થયો છે અને તેનું પુનરુત્થાન કરવાની આવશ્યકતા છે. બસ, ત્યારથી તેઓ વેદધર્મના એક મહાન દૃષ્ટા બની રહ્યા. તેમનો સિદ્ધાંત એવો હતો કે ખરો પ્રાચીન ધર્મ વેદની સંહિતાઓનો છે અને એ જ ભગવાને સ્વયં ભાખેલો છે.
બ્રાહ્મણ ગ્રંથો, વેદાંત ઉપરની ટીકાઓ વેદને સમજવામાં ઉપકારક છે, પણ પુરાણ વગેરેમાં આવતી ધર્મની ભાવના શુદ્ધ નથી. તેમાં ઘણી ભેળસેળ થયેલી લાગે છે. સાયનાચાર્ય વગેરેએ કરેલાં વેદ ઉપરનાં ભાસ્યો પણ એટલાં વિશ્વસનીય નથી રહ્યાં.
સ્વામી દયાનંદ સરસ્વતી વેદોના સૂક્ષ્મ અભ્યાસ પછી મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી બની રહ્યા. તેમણે તે માટે કાશી વગેરે તીર્થ સ્થાનોમાં જઈને શાસ્ત્રાર્થ કર્યા અને પોતાની વાત તેમને સમજાવી. તેમણે પુરસ્કૃત કરેલા સિદ્ધાંત પ્રમાણે ઈશ્વર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો કર્તા છે. જીવ જગત અને બ્રહ્મનું ઐક્ય નથી. વેદમાં આવતા 'અગ્નિ' વગેરે શબ્દો પરમાત્માના વાચક છે. પરમાત્મા સગુણ છે પણ તેને આકાર નથી તેથી મૂર્તિ પૂજા અસ્થાને છે.
આર્ય સમાજમાં યજ્ઞાપવિત ધારણ કરવાનો અને અગ્નિમાં હોમ કરવાનો વિધિ છે. તેમના મતે જેમનું આચરણ વિશુદ્ધ હોય અને વેદનો ધર્મવિચાર હોય તેઓ આર્ય છે. જેના
આચાર-વિચાર દુષ્ટ હોય તે આર્ય નથી પણ અસૂર છે - દસ્યુ છે. સંસાર તરવા માટે તીર્થ છે જેનું વાતાવરણ પવિત્ર સંસ્કારો આપે છે અને જેનાથી ધર્મ પુષ્ટ થાય છે. દયાનંદ સરસ્વતીએ ધર્માંતર કરી ગયેલ, ધર્મભ્રષ્ટ બંધુઓને પુનઃ હિંદુ ધર્મમાં પ્રવેશ કરાવવાની વ્યવસ્થા કરી એક મોટી ક્રાન્તિ કરી.
સ્વામી દયાનંદ સરસ્વતીએ કેવળ વિશુદ્ધ વેદધર્મનું પ્રવર્તન કર્યું એટલું જ નહિં પણ વૈદિક સંસ્કારોનું પાલન કરતા સમાજનું નિર્માણ કર્યું જે આર્યસમાજ તરીકે ઓળખાયો. આર્યસમાજના પાલન માટે તેમણે  નિયમો
બાંધ્યા જે સમસ્ત સમાજની સુખ-શાન્તિ માટે ઘણા ઉપકારી છે.
આવી ક્રાન્તિકારી સમાજ વ્યવસ્થાના અને વિશુધ્ધ વેદધર્મના સ્થાપક સૌરાષ્ટ્રના તેમ છતાંય તેમણે રજૂ કરેલ ધર્મવિચારનો પંજાબમાં વધારે સ્વીકાર થયો અને ગુજરાતમાં તે ઘર કરી શક્યો નહિ તે પણ વિધિની એક વિચિત્રતા છે. સ્વામી દયાનંદ સરસ્વતીનો ધર્મવિચાર સંકુચિત ન હતો. તેઓ શુદ્ધ વૈદિક ધર્મના હિમાયતી હતા. આવા ક્રાન્તિકારી ધર્મપુરુષનું મૃત્યુ વિરોધીઓએ કરેલા વિષપ્રયોગને કારણે થયું.

Download Our B K News Today App


Related News

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1936