રંગોત્સવ પર્વની ઉજવણીમાં સિન્થેટીક રંગનો ઉપયોગ માનવ આરોગ્ય માટે નુકસાનકર્તા

  • Published By : bknews
  • Published Date : 2019-03-22 11:43:39
  • Views : 520
  • Modified Date : 2019-03-22 11:43:39

આજે રંગ પર્વ ધૂળેટીની  ઉજવણી કરાશે. જો કે ધૂળેટીની ઉજવણીમાં સાદા અને ઘરેલુ રંગના બદલે સિન્થેટીક કલરનો ઉપયોગ માનવ આરોગ્ય માટે નુકસાનકર્તા બને છે. ખાસ કરીને સિન્થેટીક કલરથી ધૂળેટી રમવાથી આંખ, ચામડી અને ખાસ કરીને કાનના દર્દીઓમાં વધારો થાય છે. આથી આ પ્રકારે ધૂળેટી રમવામાં સાવચેતી દાખવવામાં આવે તો આનંદપૂર્વક
પર્વ ઉજવણીની સાથે આરોગ્યનું પણ રક્ષણ કરી શકાય છે.
પાણી જીવન જરૂરિયાતની મુખ્ય વસ્તુ હોવાથી લોકોએ પાણીથી હોળી રમવાનું ટાળવું જોઇએ. માનવજીવનની સાથે ખેતી ઉદ્યોગ માટે પણ પાણી ખૂબ જરુરી હોવાથી તેને બચાવવાના સઘળા પ્રયાસો કરવા જોઇએ. ધૂળેટી પર્વે ખાસ કરીને નાના ભૂલકાંઓ પાણી ભરેલા ફુગ્ગા એકમેક પર નાંખવાની મોજ માણતા હોય છે. પરંતુ ફુગ્ગામાંનું રંગયુકત પાણી બાળકની આંખમાં ન જાય તેની પરિવારજનોએ કાળજી રાખવી જરૂરી છે.
તબીબોના મતે ધૂળેટીમાં સિન્થેટીક કલરના
ઉપયોગથી દૂર રહેવું જોઇએ. ઓઇલ પેઇન્ટ કે ચળકાટવાળા કલરથી ધૂળેટી રમ્યા બાદ તેને સાફ કરવા કેરોસીન કે સોલવન્ટનો ઉપયોગ ન કરવો જોઇએ.
પરંતુ ન્હાવાના સાબુથી તેને ધીરે ધીરે દૂર કરવા જોઇએ. જોકે ધૂળેટી રમવા જતા અગાઉ શરીર પર કોપરેલ, મોશ્ચેરાઇઝ કે સન સ્ક્રીન લોશન લગાવવું જોઇએ. જેના કારણે શરીરની ચામડીને થતું નુકસાન અટકાવી શકાય છે. જો કે ધૂળેટી રમવા માટે વોટર કેનનો ઉપયોગ પણ નુકસાનકારક હોવા સાથે તેના કારણે કાનને ગંભીર હાનિ પહોંચતી હોવાનો મત વ્યકત થઇ રહ્યો છે. નેત્ર ચિકિત્સકોના મતે સિન્થેટીક કલર આંખની કીકીને નુકસાન પહોંચાડે છે. આથી આવા રંગોનો ઉપયોગ થતો હોય ત્યાં ધૂળેટી રમવા ન જવું અન્યથા આંખને સંપૂર્ણ ઢાંકી શકે તેવા ગોગલ્સ પહેરવા હિતાવહ રહે છે. આંખમાં કલર કે ઓઇલ પેઇન્ટ જાય તો આંખમાં ગુલાબજળ કે ઘરગથ્થુ ઇલાજ કરવાના બદલે ત્વરિત આંખના નિષ્ણાંત પાસે પહોંચી જવું સલાહભર્યુ છે.
સ્વાઇન ફલુ ઃ નાના બાળકો, સગર્ભા અને વૃદ્વોએ ધૂળેટીથી દૂર રહેવા સૂચન
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર ગુજરાતમાં  છેલ્લા પખવાડિયાથી સ્વાઇન ફલુના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. આથી હોળી-ધૂળેટી પર્વની ઉજવણીમાં સૌએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે. ખાસ કરીને ૬૦થી વધુ વયના વૃદ્વો, પાંચ વર્ષથી નાના બાળકો, સગર્ભા મહિલાઓ, ડાયાબીટીશ અને કિડની સહિતની બીમારીથી પીડાતા દર્દીઓએ ધૂળેટીમાં ઘર બહાર ન નીકળવું જોઇએ. ધૂળેટી રમવા સમયે રંગ શ્વાસનળીમાં જાય તો તકલીફ થઇ શકે છે.

Download Our B K News Today App


Related News

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1612