ભારતના રાજકારણમાં મનોહર પર્રિકરની ‘શાખ' કાયમી રહેશે

  • Published By : bknews
  • Published Date : 2019-03-26 12:15:11
  • Views : 1309
  • Modified Date : 2019-03-26 12:15:11


મનોહર પર્રિકર નાનકડા રાજ્ય ગોવાના મુખ્યમંત્રી હતા ને રાષ્ટ્રીય સ્તરે બહુ વજનદાર કહેવાય એવા નેતા પણ નહોતા પણ કેટલીક ખાસિયતોના કારણે તેમને ચોક્કસ યાદ રાખવાપડે. રાજકારણમાં મોટા ભાગના રાજકારણીઓ ઝાઝું ભણેલા હોતા નથી. આ માહોલમાં પર્રિકર જેને ભણેલા માણસ તરીકે નિઃશંકપણે સ્વીકારવા પડે એવા નેતા હતા. મનોહર પર્રિકર ગોવાના સુખી પરિવારમાં જન્મેલા તેથી અંગ્રેજી મીડિયમમાં ભણેલા ને પછી ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટૅકનોલાજી (આઈઆઈટી) માંથી ગ્રેજ્યુએટ થયેલા. આ વાત ચાલીસ વરસ પહેલાંની છેઆજે પણ આઈઆઈટીમાં એડમિશન લેવું એ કાચાપોચાના ખેલ નથી ત્યારે પર્રિકર એ જમાનામાં આઈઆઈટીમાંથી મેટલર્જીમાં બી. ટેક. થયેલા. એ જમાનામાં રાજકારણમાં વકીલ હોય ત્યારે આવી મોટી ડિગ્રીવાળો માણસ રાજકારણમાં આવે એ જ મોટી વાત હતી. એ વખતે એવી ડિગ્રી હોય તો માણસ આરામથી મોટી નોકરી મેળવી શકે. મનોહર પર્રિકર વિશે બીજી પણ એક વાત કરવી જરૂરી છે. ભાજપના મોટા ભાગના નેતાઓ વટલાઈને કોંગ્રેસીઓ જેવા જ બની ગયા છે. ત્યારે પર્રિકર ચોખ્ખા માણસ તરીકેની શાખ છેક લગી જાળવી શકેલા. રાફેલ સોદામાં તેમનું નામ આવ્યું પણ એ સિવાય પર્રિકર સામે આગંળી ચીંધાય એવું કશું નહોતું. એકદમ સાદગીથી રહેતા પર્રિકર બીજાએ પ્રેરણા લેવી પડે એ રીતે જીવતા હતા.એ વખતે પણ અમેરિકા સહિતના વિકસિત દેશ આપણા આઈઆઈટી ગ્રેજ્યુએટ્‌સને લાલ જાજમ પાથરીને આવકારતા. પર્રિકર પાસે એ વિકલ્પ પણ હતો પણ તેના બદલે તેમણે રાજકારણમાં આવવાનું પસંદ કર્યું. તેનું કારણ એ કે પર્રિકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા હતા ને બહુ પહેલાં જ એ નક્કી કરીને બેઠેલા કે રાજકારણમાં ઝંપલાવવું છે. તેમના પરિવારને પણ આ સાંભળીને આંચકો લાગી ગયેલો પણ પર્રિકરે કોઈનું ના સાંભળ્યું ને ધાર્યું કરીને જ જંપ્યા. પર્રિકરે કરેલી આ હિંમત કેટલી મોટી હતી તેનો અંદાજ એ વાત પરથી આવે કે, પર્રિકર ૧૯૯૪માં પહેલીવાર ધારાસભામાં ચૂંટાયા ત્યારે આઈઆઈએમમાં ભણેલો કોઈ માણસ ધારાસભ્ય બન્યો હોય એવી એ પહેલી ઘટના હતી. પર્રિકર એ રીતે આઈઆઈએમના વિદ્યાર્થી રહી ચૂક્યા હોય ને મુખ્યમંત્રી બન્યા હોય તેવા પણ પહેલા રાજકારણી હતા.પર્રિકરને ગોવામાં ભાજપના ખીલા ઠોકનારા નેતા તરીકેનું શ્રેય અપાય છે. આપણે ગોવાના રાજકારણ વિશે ઝાઝું જાણતા નથી તેથી આ વાત બહુ મોટી ના લાગે પણ આ કામ ખરેખર કપરું હતું. તેમણે ગોવામાં ભાજપની તરફેણમાં માહોલ ઊભો કર્યો ને ધીરે ધીરે ગોવામાં પણ ભાજપને ગણતરીમાં લેવો પડે એવી સ્થિતિ પેદા કરી દીધી. ૨૦૦૦માં પર્રિકર પહેલી વાર ગોવાના મુખ્યમંત્રી બનેલા. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઘરભેગો થયો પછી થોડા સમયમાં પર્રિકરે પણ ઘરભેગા થવું પડેલું પણ ગોવાના મુખ્યમંત્રી બનીને તેમણે ભાજપ વિંધ્યને પેલે પાર ના જઈ શકે એ મહેણું ભાંગી દીધેલું. એ પછી તો પર્રિકર ત્રણ વાર ગોવાની ગાદી પર બેઠા. ગોવામાં ભાજપ એટલે પર્રિકર એવું સમીકરણ જ થઈ ગયેલું. પર્રિકરે ગોવામાં ભાજપને એવો જોરાવર બનાવ્યો કે એક સમયે ભાજપના ઉમેદવારો ડિપોઝિટ પણ ગુમાવતા તેના બદલે ગોવાની બંને લોકસભા બેઠકો ભાજપ જીતતો થઈ ગયો છે.સાદગીના પ્રતિક એવા સરળ નેતા મનોહર પાર્રિકરજી સાથે આજની પેઢીના નેતાઓએ ઘણું શીખવા જેવું છે. ભાજપ હાઈકમાન્ડે પ્રમોદ સાવંતના યોગદાનની કદર કરી ગાદી આપી છે. પ્રમોદ સાવંત અત્યાર લગી ગોવા વિધાનસભાના સ્પીકર હતા ને ભાજપ સરકાર પાસે બહુમતી નહીં હોવા છતાં વિધાનસભામાં તેમને વાંધો ના આવ્યો તેમાં સાવંતનું પણ યોગદાન છે. ભાજપ હાઈકમાન્ડે તેની કદર કરીને તેમને ગાદી જ આપી દીધી. સાવંત પર્રિકરના ખાસ માણસ હતા એ પણ કારણ હોઈ શકે. સાવંત આયુર્વેદિક ડાક્ટર છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરની આયુર્વેદિક કાલેજમાંથી બીએએમએસ ડીગ્રી મેળવનારા સાવંતે એ પછી માસ્ટર ઓફ સોશિયલ વર્ક્સ કરેલું. મનોહર પર્રિકરની જેમએ પણ નોર્થ ગોવામાંથી આવે છે ને પર્રિકરની આંગળી પકડીને એ રાજકારણમાં આવ્યા છે. સાવંતના પિતા પાંડુરંગ સાવંત ભાજપમાં સક્રિય હતા. તેના કારણે સાવંત બહુ નાની વયે પર્રિકરની સાથે જોડાઈ ગયેલા. પર્રિકરને સાવંતમાં એટલો વિશ્વાસ હતો કે ગોવાના વિકાસ માટે બનાવાયેલા ગોવા સ્ટેટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેનપદે તેમણે સાવંતને મૂકેલા. એ રીતે ગોવાનો સરખો વિકાસ થાય એ જોવાની જવાબદારી તેમણે સાવંતના માથે નાખેલી. સાવંતનાં પત્ની સુલક્ષણા પણ રાજકારણમાં સક્રિય છે અને ગોવા ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ છે. આ રીતે તેમનો આખો પરિવાર ભાજપને સમર્પિત છે તેથી તેમની પસંદગી થઈ હોય એ પણ શક્ય છે.

Download Our B K News Today App


Related News